શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમનનું ઉદ્ઘાટન: મહિલા સશક્તિકરણના નવા યુગની શરૂઆત

ધરમપુર : દક્ષિણ ગુજરાતના ધરમપુર ખાતે આજે ભારતના સૌથી અદ્યતન મહિલા વિકાસ કેન્દ્ર ‘શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન’નું ઉદ્ઘાટન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહના હસ્તે અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર સંપન્ન થયું. આ પ્રસંગે અનેક મહાનુભાવો અને સ્થાનિક મહિલાઓની વિશાળ હાજરી જોવા મળી હતી.

આ કેન્દ્ર 11 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને અંદાજે 2 લાખ ચોરસ ફૂટના આધુનિક સંકુલમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રચાયું છે. આ મિશન દર વર્ષે 15,000થી વધુ મહિલાઓને રોજગાર, તાલીમ અને સુખાકારીના સાધનો પ્રદાન કરશે. ઉપરાંત, સેટેલાઇટ કેન્દ્રો અને ભાગીદારીના માધ્યમથી સમગ્ર ગ્રામીણ ભારતમાં હજારો મહિલાઓ સુધી પહોંચવાનો મિશનનો ઉદ્દેશ્ય છે.

ઉદ્ઘાટન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “સંપૂર્ણપણે ગ્રામીણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું આવું અભિયાન મેં ક્યારેય જોયું નથી. આ એક અનોખી અને નવીન પરિકલ્પના છે. આ મિશન આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરે છે.” તેમણે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના નિઃસ્વાર્થ સમર્પણની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ મિશન ભારત માટે એક આદર્શ પરિયોજના બની રહેશે.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ઉપપ્રમુખ આત્માર્પિત નેમિજીએ જણાવ્યું કે, “આ મિશન શાંત પરિવર્તનમાં માને છે — ગુરુત્વાકર્ષણની જેમ અદૃશ્ય પણ અસરકારક. આ કેન્દ્ર મહિલાઓને નિર્ણયશક્તિ, દિશા અને આત્મનિર્ભરતા માટે સશક્ત બનાવશે.”

આ કેન્દ્ર ચાર મુખ્ય સ્તંભો પર આધારિત છે:

1. આર્થિક સશક્તિકરણ:

મહિલાઓ અહીં 300થી વધુ પ્રકારના સુગંધિત ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો, વસ્ત્રો અને હસ્તકલા ઉત્પાદિત કરશે, જે 26 દેશોમાં 750થી વધુ આઉટલેટ્સ મારફતે નિકાસ કરવામાં આવશે. તેમને ઉત્પાદન, સ્વચ્છતા, સોફ્ટ સ્કિલ્સ, ERP, ડિજિટલ સાક્ષરતા, યોગ અને કાર્યસ્થળ સલામતી જેવી તાલીમ પણ આપવામાં આવશે.

2. કૌશલ્ય અને ક્ષમતા વિકાસ:

કેન્દ્ર 10 થીમમાં 60થી વધુ આધુનિક અને ડિજિટલ તાલીમ કાર્યક્રમો આપે છે. તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન અને રોબોટિક્સ, આરોગ્ય, હસ્તકલા, રસોઈ કલા, સોંદર્ય અને કાપડ, ઉદ્યોગસાહસિકતા અને કાર્યસ્થળ કૌશલ્યનો સમાવેશ થાય છે. ડિજિટલ લેબ્સ દ્વારા મહિલાઓને ટેક્નોલોજી સાથે જોડવામાં આવશે.

3. સામાજિક સશક્તિકરણ અને સુખાકારી:

મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ લેવા માર્ગદર્શન આપવામાં આવશે. મહિલા જૂથો અને સહકર્મચારી વર્તુળો દ્વારા આત્મવિશ્વાસ અને સમર્થન વધારાશે. યોગ, રમતગમત અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક અને માનસિક આરોગ્યને પ્રોત્સાહન મળશે.

4. જ્ઞાન અને જાગૃતિ:

મહિલાઓના અધિકારો, આરોગ્ય સેવાઓ અને નાણાકીય સાક્ષરતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. રોજગારલક્ષી અભ્યાસક્રમો અને નેતૃત્વ કાર્યશાળાઓ પણ યોજાશે. માતૃત્વની જવાબદારીઓ ધરાવતી મહિલાઓ માટે ડેકેર, નર્સિંગ, પોષણ અને પરિવહન જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

આ પ્રસંગે વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, લોકસભા વ્હીપ શ્રી ધવલભાઈ પટેલ, મહારાષ્ટ્રના મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા, તેમજ સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ અને શાહ હેપીનેસ ફાઉંડેશનના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

આ કેન્દ્ર દક્ષિણ ગુજરાતના આશરે 9.6 લાખ મહિલાઓ (જેમામાંથી 55% આદિવાસી છે) માટે આત્મનિર્ભરતા તરફનો માર્ગ સાપડે છે. આ મિશન ભારતના વિકાસમાં મહિલાઓના યોગદાનને વધુ મજબૂત બનાવશે અને સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણારૂપ મોડેલ તરીકે ઉભરી આવશે.

Post a Comment

0 Comments