સુરેન્દ્રનગર: શહેરની ખ્યાતનામ એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે તાજેતરમાં વર્ષ ૧૯૭૮-૭૯ની બેચના વિદ્યાર્થીઓનું ભવ્ય રિયુનિયન (સ્નેહ મિલન) યોજાયું હતું. આ બેચનું આ ત્રીજું સ્નેહ મિલન હતું, જેમાં દેશ-વિદેશમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાવુક બનીને ઉમટી પડ્યા હતા.
આ રિયુનિયનમાં અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ જેવા શહેરો ઉપરાંત વિદેશથી પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખાસ હાજર રહ્યા હતા. પોતાની કારકિર્દીમાં ઉચ્ચ શિખરો સર કરનાર આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓ આજે જે કાંઈ પણ છે તેમાં આ કોલેજ અને તેના શિક્ષણનો મોટો ફાળો છે. ઉલ્લેખનીય છે કે આ કોલેજમાં અત્યાર સુધીમાં ૩૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો છે.
માત્ર યાદો તાજી કરવા પૂરતું જ નહીં, પણ આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોલેજની સુવિધાઓ વધારવા માટે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. શક્તિસિંહ પરમાર અને અન્ય વિદ્યાર્થીઓના સહયોગથી કોલેજમાં ૪ સ્માર્ટ ક્લાસ તૈયાર કરવામાં આવ્યા છે.કોલેજના હોલમાં એર કુલર, નવી ખુરશીઓ અને અન્ય ભૌતિક સુવિધાઓ પણ આ બેચ દ્વારા પુરી પાડવામાં આવી છે. આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો હતો કે સુરેન્દ્રનગરના વર્તમાન વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ સ્થાને પહોંચે તે માટે તેઓ સતત માર્ગદર્શન અને મદદ પૂરી પાડતા રહેશે.
કોલેજ પ્રશાસને પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આ લાગણી અને માતૃસંસ્થા પ્રત્યેના પ્રેમને બિરદાવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓ અવારનવાર કોલેજની મુલાકાત લેતા રહેશે અને કોલેજના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહેશે.


0 Comments