સુરેન્દ્રનગર પોલીસનું "તેરા તુજકો અર્પણ" અભિયાન: ટેકનોલોજી અને માનવતાના સંગમથી નાગરિકની ખોવાયેલી લક્કી પરત મળી

સુરેન્દ્રનગર: આજના સમયમાં જ્યારે લોકો પોતાની વસ્તુ ખોવાઈ જાય ત્યારે તે પાછી મળવાની આશા છોડી દેતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસ વિભાગે પોતાની સતર્કતા અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વિશ્વાસનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યરત "તેરા તુજકો અર્પણ" અભિયાન અંતર્ગત વધુ એક નાગરિકની કિંમતી ચીજવસ્તુ સુરક્ષિત પરત કરવામાં આવી છે.

લટુડા ગામના રહેવાસી રાહુલભાઈ ભરતભાઈ પનારા ગત ૨૬ ડિસેમ્બરના રોજ પોતાના ઘરેથી વઢવાણ જી.આઈ.ડી.સી. ખાતે નોકરીએ જઈ રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન ભક્તિનંદન સર્કલ પાસે તેમની અંદાજે ₹૨૫,૦૦૦/- ની કિંમતની ચાંદીની લક્કી અચાનક હાથમાંથી પડી ગઈ હતી. પોતાની મહેનતની કમાણીમાંથી બનાવેલી આ લક્કી ખોવાઈ જતાં રાહુલભાઈ ચિંતામાં મુકાયા હતા.

રાહુલભાઈએ આ અંગે સુરેન્દ્રનગર પોલીસની "નેત્રમ" (CCTV કંટ્રોલ રૂમ) શાખાનો સંપર્ક કર્યો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયા અને તેમની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી શહેરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ટેકનોલોજીના સચોટ ઉપયોગ દ્વારા ટીમે એ શોધી કાઢ્યું કે લક્કી કયા સ્થળે પડી હતી અને કોણે ઉપાડી હતી. ફૂટેજમાં દેખાતા એક સાયકલ સવારની ઓળખ કરી પોલીસે તેને શોધી કાઢ્યો હતો.

સીટી-બી ડિવિઝન પોલીસની મદદથી, પોલીસે ગણતરીના સમયમાં જ સાયકલ સવાર પાસેથી લક્કી મેળવી લીધી અને તેના મૂળ માલિક રાહુલભાઈને સુપરત કરી. પોતાની ખોવાયેલી લક્કી પરત મળતા રાહુલભાઈએ સુરેન્દ્રનગર પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

આ ઘટના માત્ર એક વસ્તુ પરત મળવાની નથી, પરંતુ પોલીસ પ્રત્યે જનતાના વિશ્વાસની જીત છે. "નેત્રમ" પ્રોજેક્ટ દ્વારા ગુનાખોરી ડામવાની સાથે નાગરિકોની સેવા કરવાનું આ કાર્ય ખરેખર બિરદાવવા લાયક છે.

Post a Comment

0 Comments