સુરેન્દ્રનગર : ઝાલવાડની ધર્મપ્રિય જનતા અને ધાર્મિક ઉત્સવોના કેન્દ્ર સમા જોરાવરનગર ખાતે આવેલ પવિત્ર નીલકંઠ મહાદેવ મંદિરમાં તાજેતરમાં ભક્તિમય માહોલમાં સમૂહ સત્યનારાયણ દેવની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અવસર માત્ર પૂજન-અર્ચન પૂરતો સીમિત ન રહેતા, જ્ઞાન અને સેવાના સમન્વય સાથે એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.
આ પ્રસંગે અમદાવાદ સ્થિત જાણીતી સામાજિક સંસ્થા ‘કર્મણ્યે ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા એક પ્રશંસનીય સેવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યજમાનો તેમજ સ્થાનિક પાઠશાળાના ભૂલકાઓને નિઃશુલ્ક શ્રીમદ્દ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય અને ગીતાજીનું જ્ઞાન જન-જન સુધી પહોંચે તેવા ઉમદા આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં કથાના મુખ્ય વક્તા દિલીપભાઈ દવેનું ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં ટ્રસ્ટના સભ્યો અને જાણીતા સમાજ સેવકોએ ખભેખભા મિલાવીને સહયોગ આપ્યો હતો. જેમાં દુષ્યંતભાઈ આચાર્ય (જાણીતા સમાજ સેવક), કેતનભાઈ શાહ, નાનભા જાડેજા સહિતના અગ્રણી કાર્યકર્તાઓ અને ટ્રસ્ટના સહયોગીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોના હસ્તે ભાવિકોને ગીતાજી અર્પણ કરવામાં આવી હતી.
નિલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. કર્મણ્યે ફાઉન્ડેશનના સભ્યોએ જણાવ્યું હતું કે, "આજની ભાગદોડ ભરી જિંદગીમાં ગીતાજીનું જ્ઞાન જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. પાઠશાળાના બાળકોને નાનપણથી જ આ ગ્રંથ સાથે જોડવાથી રાષ્ટ્ર નિર્માણમાં મદદ મળે છે."
આમ, જોરાવરનગરમાં ભક્તિ, જ્ઞાન અને સેવાના આ સંગમે સમગ્ર પંથકમાં પ્રેરણા પૂરી પાડી છે. સ્થાનિક રહીશો અને ભક્તોએ કર્મણ્યે ફાઉન્ડેશનની આ કામગીરીને બિરદાવી છે.



0 Comments