સુરેન્દ્રનગર : ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આયોજિત ૧૪મી પરંપરાગત ડે-ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૪ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ભવ્ય રીતે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ માત્ર રમતગમતની સ્પર્ધા નહીં રહી, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને યુવાનોમાં ઉત્સાહ જગાવતું એક મહત્વપૂર્ણ આયોજન બની રહ્યું.
આ વર્ષે ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ – ભાવનગર, કચ્છ, જામનગર, રાજકોટ સહિત કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું આયોજન સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં, આઈ.ઓ.સી. કોલોની પાછળ, સરદાર રોડ પર કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ રસિકો અને ખેલાડીઓમાં ઉત્સાહ અને રોમાંચનો માહોલ છવાયેલો રહ્યો.
ટુર્નામેન્ટના અંતિમ દિવસે બે સેમિફાઈનલ મેચો રમાઈ હતી. પ્રથમ સેમિફાઈનલમાં જય ઝાલાવાડ ઇલેવન સામે શિવશક્તિ ઇલેવન દુધરેજ અને બીજી સેમિફાઈનલમાં ઇન્દ્ર ધ ટાઈગર કચ્છ ઇલેવન સામે રાણા સ્પોર્ટ્સ રાજકોટ વચ્ચે મુકાબલો થયો. બંને મેચોમાં શિવશક્તિ ઇલેવન દુધરેજ અને ઇન્દ્ર ધ ટાઈગર કચ્છ ઇલેવન વિજેતા બનીને ફાઈનલમાં પ્રવેશ્યા.
ફાઈનલ મુકાબલો શિવશક્તિ ઇલેવન દુધરેજ અને ઇન્દ્ર ધ ટાઈગર કચ્છ ઇલેવન વચ્ચે રમાયો હતો. ટોસ જીતીને શિવશક્તિ ઇલેવન દુધરેજે પ્રથમ બેટિંગ પસંદ કરી ૧૨ ઓવરમાં ૮૮ રન બનાવ્યા. જવાબમાં ઇન્દ્ર ધ ટાઈગર કચ્છ ઇલેવને માત્ર ૯.૨ ઓવરમાં ૯૧ રન બનાવીને વિજય હાંસલ કર્યો અને ચેમ્પિયન બન્યું.
વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવી. મેન ઓફ ધ મેચ તરીકે રાજેન્દ્રસિંહ સોઢાનું નામ જાહેર થયું જેમણે ૩ ઓવરમાં ૩ વિકેટ ઝડપી. મેન ઓફ ધ સિરીઝ હરનાથસિંહ જાડેજા (દરબારગઢ ઇલેવન, જામનગર) જાહેર થયા જેમણે ટુર્નામેન્ટ દરમિયાન ૧૧૨ રન અને ૭ વિકેટ ઝડપી. બેસ્ટ બેટ્સમેન તરીકે રાજભા ઝાલા (૧૭૭ રન), બેસ્ટ બોલર જયપાલસિંહ વાઘેલા અને બેસ્ટ ફિલ્ડર યશરાજસિંહ (કચ્છ ઇલેવન) જાહેર થયા.
ટુર્નામેન્ટ દરમિયાન સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબના વૉલીબૉલ ખેલાડીઓને પણ રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ બદલ સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડો. રુદ્રદત્તસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, દિપેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ ઝાલા, પ્રહલાદસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અંતે સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના પ્રમુખ શિવરાજસિંહ રાણાએ આભારવિધિ આપી કાર્યક્રમનો સમાપન કર્યો. આ ટુર્નામેન્ટ દ્વારા રમતગમતના માધ્યમથી યુવાનોને પ્રોત્સાહન મળ્યું અને સમાજમાં એકતા અને સહકારની ભાવનાને વધુ મજબૂતી મળી.


0 Comments