વઢવાણ મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર વિલંબ મામલે કોંગ્રેસની રજૂઆત

સુરેન્દ્રનગર : વઢવાણ મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો મેળવવામાં થતી હાલાકી અને વિલંબના ગંભીર મુદ્દે વઢવાણ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

વઢવાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસ અગ્રણી મહાવીરસિંહ પરમાર, અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રમુખ શિશુપાલસિંહ રાણાએ આ રજૂઆત કરી હતી.

વિદ્યાર્થીઓને પડતી હાલાકીના મુદ્દાઓ

રજૂઆતમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અતિઆવશ્યક એવા Criminal Certificate અને EWS (આર્થિક રીતે પછાત વર્ગ) પ્રમાણપત્રો મેળવવામાં થતા ભારે વિલંબ, સ્પષ્ટ જવાબ ન મળવો અને અરજદારોને અનાવશ્યક ધક્કા ખાવાની પરિસ્થિતિ પર ધ્યાન દોરવામાં આવ્યું હતું.

* પ્રમાણપત્ર માટે અરજદારોને વારંવાર કચેરીમાં આવવા મજબૂર

* લાઈનમાં ઊભેલા વિદ્યાર્થીઓને બાજુ પર રાખીને અંગત ઓળખ ધરાવતા લોકોને પહેલા કામગીરી થઈ રહ્યાના આક્ષેપ 

* આ વિલંબના કારણે વિદ્યાર્થીઓને ભરતી પ્રક્રિયામાં આવેદન કરવામાં અને શૈક્ષણિક પ્રક્રિયામાં સમયસર જોડાવામાં તકલીફ 

કોંગ્રેસ પક્ષે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે. સરકારી કચેરીઓની કામગીરીમાં તાત્કાલિક પારદર્શિતા અને સમયબદ્ધતા અમલમાં લાવવા રજૂઆત કરવામાં આવી છે.

કોંગ્રેસની મુખ્ય માંગણી છે કે Criminal Certificate અને EWS જેવા મહત્ત્વના પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને તાત્કાલિક, સરળ અને સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમનું શૈક્ષણિક અને કારકિર્દીનું ભવિષ્ય જોખમાય નહીં.

કોંગ્રેસે આ સાથે જ ખાતરી આપી હતી કે તેઓ વિદ્યાર્થી હિત અને જનહિત માટે સતત અવાજ ઉઠાવતા રહેશે.

Post a Comment

0 Comments