સુરેન્દ્રનગરના યુવા ખેલાડીઓની SGFI રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઝળહળતી સફળતા: 5 બ્રોન્ઝ મેડલ સાથે ગૌરવભેર પરત ફર્યા

સુરેન્દ્રનગર : વડોદરા ખાતે ગુજરાત રાજ્યના રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત SGFI (School Games Federation of India) રાજ્યકક્ષાની અંડર-17 અને અંડર-19 સ્પર્ધાઓ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. રાજ્યભરના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓએ વિવિધ વય જૂથ અને વજન વર્ગોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

આ સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને કુલ 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જે જિલ્લાની રમતગમત ક્ષમતા અને તાલીમની સિદ્ધિ દર્શાવે છે.

વિજેતાઓમાં અંડર-17 કેટેગરીમાં સેન્ટ હિલેરી સ્કૂલના ધર્માયુસિંહ વાઘેલાએ 50 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આઈપીએસ સ્કૂલના નૈતિક કલોતરાએ 70 કિગ્રા વર્ગમાં કાંટાની ટક્કર આપી તૃતીય સ્થાન મેળવ્યું. કેમ્બ્રિજ સ્કૂલની ભવ્યા ઠાકરે 60 કિગ્રા કેટેગરીમાં અને અલ્ટ્રા વિઝન સ્કૂલની આરતી મહેતાએ 32 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતી પોતાની પ્રતિભા સાબિત કરી. 

અંડર-19 કેટેગરીમાં સરસ્વતી કન્યા વિદ્યાલયની હીનાબા રાઠોડે પણ બ્રોન્ઝ મેડલ જીતીને નાની વયે મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

આ જીત પાછળ ખેલાડીઓની મહેનત ઉપરાંત તેમના કોચ અને વાલીઓનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહ્યું છે. શાળાઓના સંચાલકો અને શિક્ષકમંડળે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

આ ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાનો મજબૂત પાયો પુરો પાડે તેવો વિશ્વાસ વ્યક્ત થયો છે.

Post a Comment

0 Comments