સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા માંથી મહાનગરપાલિકા (મનપા) માં રૂપાંતર થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ ઐતિહાસિક પ્રથમ વર્ષગાંઠની ઉજવણી માત્ર ભવ્યતા કે રોશનીથી નહીં, પરંતુ સામાજિક જવાબદારીના સ્વીકાર સાથે 'અનોખી' રીતે કરવામાં આવી હતી. આ નિમિત્તે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે સરકારી એકમોની વર્ષગાંઠ પર સાંસ્કૃતિક કાર્યક્રમો કે મેળાવડા યોજાતા હોય છે, પરંતુ સુરેન્દ્રનગર મનપાએ લોકહિતને પ્રાધાન્ય આપ્યું હતું. આરોગ્ય વિભાગના આ આયોજનમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓથી લઈને પાયાના કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન અંદાજે 30 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને સંસ્થાની પ્રથમ વર્ષગાંઠ પર આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ ભેટ સમાજને આપી શકાય નહીં. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને મહાનગરપાલિકા માત્ર વહીવટી તંત્ર જ નહીં, પણ માનવીય સંવેદના ધરાવતી સંસ્થા છે તે સાબિત કરવાનો હતો.
શહેરના નાગરિકોએ પણ મનપાના આ અભિગમને બિરદાવ્યો છે. વહીવટી પ્રક્રિયાના પ્રથમ વર્ષમાં જ જનસેવા અને આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ રક્તદાન કેમ્પ દ્વારા "સેવા એ જ સાચી ઉજવણી"નો સંદેશ સમગ્ર જિલ્લામાં પ્રસરાવવામાં આવ્યો છે.


0 Comments