સુરેન્દ્રનગર : વિધવા મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને આર્થિક સ્વાવલંબન માટે છેલ્લા ૨૬ વર્ષથી અવિરત કાર્યરત 'નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ' દ્વારા તાજેતરમાં એક પ્રેરણાદાયી પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા દ્વારા સંચાલિત 'હર્ષાબેન પ્રકાશ કુંવરજી શાહ બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર' તેમજ 'ચંદ્રાબેન મધુસુદન શાહ શિવણ તાલીમ કેન્દ્ર'ની ૧૧મી બેન્ચના તાલીમાર્થી બહેનોએ સફળતાપૂર્વક પોતાની તાલીમ પૂર્ણ કરતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ગરિમામય કાર્યક્રમનું પ્રમુખ સ્થાન હર્ષાબેન ડો. પ્રમોદ પટેલે શોભાવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ સ્નેહાબેન દિલીપભાઈ મહેતા (જનયુગ) ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માલવીકાબેન ગાંધી, રૂપાબેન દવે, અરુણાબેન દવે અને હીનાબેન સોફાવાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર-૨૦૨૫ના ત્રિમાસિક ગાળા દરમિયાન આ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ મેળવીને અનેક બહેનો આજે પગભર બની પોતાની આજીવિકા મેળવવા સક્ષમ બની છે. કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થી બહેનોએ પોતાના અનુભવો રજૂ કરતા જણાવ્યું હતું કે, આ તાલીમ દ્વારા તેમનામાં નવો આત્મવિશ્વાસ જાગ્યો છે અને હવે તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકશે.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિર્ધાર સંસ્થાના સ્થાપક રાજેશભાઈ રાવલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્ધાર ટીમની મહિલા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે, નિર્ધાર ટ્રસ્ટ વર્ષોથી વિધવા બહેનોને સમાજમાં માનભેર સ્થાન મળે અને તેઓ આર્થિક રીતે સધ્ધર બને તે દિશામાં નક્કર કામગીરી કરી રહ્યું છે.

0 Comments