એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસ અને રન ફોર સ્વદેશી અંતર્ગત સ્વદેશી દોડ રેલીનું ભવ્ય આયોજન

સુરેન્દ્રનગર : સ્વામી વિવેકાનંદજીના 164માં જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને રન ફોર સ્વદેશી કાર્યક્રમ અંતર્ગત એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં ઇનોવેશન ક્લબ અને સ્વદેશી જાગરણ મંચના સહયોગથી વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ‘કેન ડુ’ એક્ટિવિટી અંતર્ગત યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સ્વદેશી ભાવના અને આત્મનિર્ભરતા અંગે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ હતો.

કાર્યક્રમની શરૂઆત સ્વદેશી સંકલ્પ દોડથી કરવામાં આવી હતી, જે એમ.પી. શાહ કોમર્સ કોલેજથી શરૂ થઈ એસ.એમ.વી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી યોજાઈ હતી. આ દોડમાં કોલેજના આચાર્ય ડો. દિલીપભાઈ વજાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દોડ દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને સ્વાવલંબન તરફ યુવાનોને પ્રેરણા આપવાનો સંદેશ આપવામાં આવ્યો.

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારિણી સદસ્ય ડો. નિલેશભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉદ્દબોધન આપ્યું હતું. તેમણે સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારો પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, “સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમનું જીવન સંઘર્ષ અને આત્મવિશ્વાસથી ભરેલું હતું. તેમના વિચારો આજે પણ યુવાનોને જીવનમાં દિશા આપે છે.”

તેમણે ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને ઉજાગર કરતાં જણાવ્યું કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે અને આપણે સૌએ એકબીજાની સાથે સહઅસ્તિત્વમાં જીવવું જોઈએ. સાથે જ તેમણે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ દ્વારા દેશની આર્થિક સ્વતંત્રતા અને વિકાસ માટેના પગલાંઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા, સંસ્કાર અને સમાજપ્રતિ નિષ્ઠાની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Comments

GJ13NEWS

કલાઉત્સવમાં કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ: ૫૫૦થી વધુ દર્દીઓને લાભ

શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન: ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાની નવી આશા