સુરેન્દ્રનગર : જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન હદમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની આગેવાની હેઠળ વિશાળ ડે કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં નાની મોલડી, જાની વડલા, કાંધાસર અને ચોટીલા ટાઉન સહિતના વિસ્તારોમાં પ્રોહીબીશન ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓ તથા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઓપરેશન દરમિયાન પી.જી.વી.સી.એલ.ની કુલ ૪૩ ટીમો સાથે મળીને આરોપીઓના રહેણાંક મકાનોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તપાસ દરમિયાન ગેરકાયદેસર વીજ કનેક્શનો પકડાયા હતા અને કુલ રૂ. ૧,૩૦,૯૦,૦૦૦/- (એક કરોડ ત્રીસ લાખ નેવુ હજાર)નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જેઓના ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું, તેમના વિરુદ્ધ અગાઉ દાખલ ગુનાઓની પણ તપાસ કરવામાં આવી. આથી, પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો પર નજર રાખી વધુ કડક પગલાં લેવા માટેની તૈયારી દર્શાવવામાં આવી છે. આ ઓપરેશન ચોટીલા પો.સ્ટે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.
તેમજ નાની મોલડી અને જાની વડલા ગામ વિસ્તારમાં અલગ-અલગ ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કુલ ૬ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા અને NC-૨૫ હેઠળ રૂ. ૯,૩૦૦/-નો દંડ વસૂલવામાં આવ્યો.આ ઉપરાંત ચોટીલા ટાઉન અને આસપાસના વિસ્તારોમાં આવેલી ૭ હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકા આધારે તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન કેટલાક હોટલોમાં ગે.કા. પ્રવૃત્તિઓ જોવા મળતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
આ સમગ્ર અભિયાનની આગેવાની પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)એ કરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી, એલ.સી.બી. ટીમ, ચોટીલા અને લીંબડી ડીવીઝનના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમ, પોલીસ અને વીજ વિભાગની સંયુક્ત કામગીરીથી અસામાજિક તત્વો પર કાબૂ મેળવવામાં મદદ મળી છે.



0 Comments