સુરેન્દ્રનગર 'નેત્રમ' પ્રોજેક્ટ બન્યો આશીર્વાદરૂપ, પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાને પરત અપાવ્યા સોનાના દાગીના

સુરેન્દ્રનગર: આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને પોલીસની સતર્કતાનો સમન્વય સામાન્ય નાગરિકો માટે સુરક્ષાનું કવચ બની રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં એક મહિલા રિક્ષામાં પોતાનો કિંમતી સામાન ભૂલી ગયા હતા, જે સુરેન્દ્રનગર પોલીસે 'નેત્રમ' (Netram) સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢીને મૂળ માલિકને પરત સોંપી પ્રામાણિકતા અને કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મળતી માહિતી મુજબ, ગઇકાલે તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નાના કેરાલા ગામના રહેવાસી ગીતાબેન ચાવડા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી રિક્ષા ભાડે કરી મેગામોલ પાસે ઉતર્યા હતા. ઉતરાણની ઉતાવળમાં તેઓ રિક્ષામાં પોતાનો થેલો ભૂલી ગયા હતા. આ થેલામાં ૩ તોલા સોનાના દાગીના સહિત અન્ય કિંમતી ઘરવખરીનો સામાન હતો.

સામાન ગુમ થયાની જાણ થતા જ ગીતાબેને તુરંત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. દાગીના જેવી કિંમતી વસ્તુઓ હોવાથી પરિવારમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી હતી.

ઘટનાની ગંભીરતા સમજીને પોલીસ સ્ટાફ એક્શન મોડમાં આવ્યો હતો. શહેરના 'નેત્રમ' કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. વિવિધ રૂટ પરના કેમેરા ચેક કરતા ગીતાબેન જે રિક્ષામાં બેઠા હતા તેનો નંબર અને લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.

પોલીસની આ સફળ કામગીરીમાં નીચે મુજબના જવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી બળદેવસિંહ પઢિયાર, ધવલભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ મોરી, મુકેશભાઈ ઊતેલિયા, અજીતસિંહ જાદવ એ

સીસીટીવીની મદદથી રિક્ષા ચાલકને શોધી કાઢી, ગણતરીના કલાકોમાં ગીતાબેનનો તમામ સામાન અને સોનાના દાગીના સુરક્ષિત રીતે પરત મેળવવામાં આવ્યા હતા. પોતાનો ખોવાયેલો કિંમતી સામાન પરત મળતા ગીતાબેન અને તેમના પરિવારે સુરેન્દ્રનગર પોલીસનો આભાર માન્યો હતો. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સીસીટીવી સર્વેલન્સ ગુનાખોરી ડામવાની સાથે નાગરિકોની મદદ માટે પણ એટલું જ અસરકારક છે.

0 Comments