સુરેન્દ્રનગર : પતંગબાજીના લોકપ્રિય પર્વ ઉત્તરાયણ છે, ત્યારે સુરેન્દ્રનગરના નાગરિકો સુરક્ષિત રીતે આ તહેવાર ઉજવી શકે તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સતર્કતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે જીવલેણ સાબિત થતી પતંગની દોરીથી બચાવવા માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રેરણાદાયી સેવામાં પહેલ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ દ્વારા જાતે મોરચો સંભાળાયો
શહેરના રાજમાર્ગો પર વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એમ. પઠાણ, પી.એસ.આઈ. જે.એમ. પટેલ, બળદેવસિંહ પઢિયાર તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા સઘન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની આ ટીમ દ્વારા રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને અટકાવીને તેમના વાહનો પર 'સેફ્ટી તાર' લગાવી આપવામાં આવ્યા હતા.
પ્રાણઘાતક દોરીથી બચવાનો પ્રયાસ
ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી કે કાચ પાયેલી તીક્ષ્ણ દોરી ગળામાં આવી જવાથી અનેક વાહનચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે અથવા જીવ ગુમાવતા હોય છે. આ જોખમને ટાળવા માટે પોલીસ સ્ટાફ દ્વારા વાહનચાલકોને સેફ્ટી ગાર્ડનું મફત વિતરણ કરવામાં આવ્યું, લોકોને હેલ્મેટ પહેરવા અને ગળામાં સ્કાફ કે મફલર બાંધવા જેવી સાવચેતી રાખવા સમજણ આપવામાં આવી. તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી.
પોલીસ વિભાગની આ માનવીય અભિગમવાળી કામગીરીને સુરેન્દ્રનગરવાસીઓએ બિરદાવી છે. સામાન્ય રીતે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવતી હોય છે, પરંતુ જ્યારે પોલીસ રસ્તા પર ઉતરીને લોકોના જીવ બચાવવા માટે સેફ્ટી તાર ફીટ કરી આપે ત્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે.

0 Comments