સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પારદર્શક સરકારી ખરીદી માટે કર્મચારીઓને અપાઈ તાલીમ

 સુરેન્દ્રનગર : સરકારી ખરીદીમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના સભાખંડમાં SVNIT, સુરતના સંયુક્ત ઉપક્રમે અધિકારીઓ અને કર્મચારીઓ માટે GeM (Government e-Marketplace) પોર્ટલ વિષયક વિશેષ વર્કશોપ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત SVNIT, સુરતના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિક્રમ રાઠોડએ GeM પોર્ટલની ટેકનિકલ બારીકીઓ સમજાવી હતી. તેમણે માત્ર સૈદ્ધાંતિક માહિતી જ નહીં, પરંતુ લાઇવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા નીચે મુજબના મુદ્દાઓનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું:

 * પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને લોગિન પ્રક્રિયા.

 * જરૂરી પ્રોડક્ટ્સ અને સેવાઓનું સર્ચિંગ.

 * બિડિંગ (ટેન્ડરિંગ) અને ઓર્ડર આપવાની રીત.

 * પેમેન્ટ અને પેપરલેસ કામગીરીની પ્રક્રિયા.

GeM પોર્ટલના મુખ્ય ફાયદાઓ

તાલીમ દરમિયાન ડૉ. રાઠોડે જણાવ્યું હતું કે આ પોર્ટલના ઉપયોગથી સરકારી વહીવટમાં અનેક સકારાત્મક પરિવર્તનો આવશે, જેમાં મુખ્યત્વે ખરીદીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન હોવાથી ભ્રષ્ટાચારની શક્યતા નહિવત બને છે. સીધી ખરીદી અને બિડિંગને કારણે સરકારી તિજોરી પરનું ભારણ ઘટે છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ સરકારી ઓર્ડર મેળવવાની સમાન તક મળે છે. પેપરલેસ કામગીરીને કારણે વહીવટી પ્રક્રિયા અત્યંત ઝડપી બને છે.

આ તાલીમ બાદ મહાનગરપાલિકાની ખરીદી પ્રક્રિયા વધુ આધુનિક અને વેગવંતી બનશે, જેનો સીધો લાભ વહીવટી તંત્ર અને અંતે પ્રજાને મળશે." આ તાલીમ કાર્યક્રમમાં પાલિકાના વિવિધ વિભાગના વડાઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોર્ટલના ઉપયોગ અંગેની પોતાની મુંઝવણો દૂર કરી હતી.

0 Comments