શૈક્ષિક પ્રીમિયર લીગ (SPL) 2026: રીબડાના મેદાનમાં રાજકોટનો દબદબો, પોરબંદરને હરાવી બન્યું ચેમ્પિયન

સુરેન્દ્રનગર : તાજેતરમાં રીબડા ખાતે પ્રથમ 'શૈક્ષિક પ્રીમિયર લીગ' (SPL) 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (સૌરાષ્ટ્ર સંભાગ 1 અને 2) દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 16થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રસાકસીભરી મેચોના અંતે રાઇઝિંગ રાજકોટની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.

સુરેન્દ્રનગરની ટીમનો સેમી ફાઇનલ સુધીનો પ્રવાસ

આ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે બે ટીમો મેદાનમાં ઉતરી હતી. જેમાં પ્રાથમિક વિભાગની ટીમ દશરથસિંહ અસવારની આગેવાની હેઠળ રમી હતી. સુરેન્દ્રનગર સ્પાર્ટનની ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ ખેલદિલી અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું અને હરીફ ટીમોને મ્હાત આપી સેમી ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી. જોકે, સેમી ફાઇનલમાં રાજકોટ સામે તેમનો પરાજય થયો હતો.

રાજકોટે પોતાની પ્રથમ લીગ મેચમાં ભાવનગર ગ્રામ્યને હરાવ્યું હતું. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં ભાવનગર મહાનગર અને સેમી ફાઇનલમાં સુરેન્દ્રનગર સ્પાર્ટનને પરાજય આપી ફાઇનલમાં દમદાર પ્રવેશ કર્યો હતો.

બીજી તરફ પોરબંદરની ટીમે લીગ મેચમાં મોરબી, ક્વાર્ટર ફાઇનલમાં અમરેલી અને સેમી ફાઇનલમાં જૂનાગઢ જેવી મજબૂત ટીમો સામે વિજય મેળવી ફાઇનલની ટિકિટ મેળવી હતી.

રાજકોટ અને પોરબંદર વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ અત્યંત રોમાંચક રહી હતી. બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ આખરે રાજકોટની ટીમે મેદાન મારી લીધું હતું અને SPL 2026ની પ્રથમ ટ્રોફી પોતાના નામે કરી હતી.

આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. શિક્ષકોમાં રમતગમતની ભાવના વધે અને પરસ્પર સંપર્ક વધે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

0 Comments