ગઢાદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ૩ સ્માર્ટ ટીવી ફાળવવા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની રજૂઆત

સુરેન્દ્રનગર  : મુળી તાલુકાના ગઢાદ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આધુનિક અને ટેકનોલોજી સભર શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ચોટીલા-૬૩ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હાલના સમયમાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનું મહત્વ વધ્યું છે, ત્યારે ગઢાદ પ્રાથમિક શાળામાં ડિજિટલ સાધન-સામગ્રીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે જાગૃત નાગરિક યશપાલ સિંહ પરમાર દ્વારા પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી કે, શાળામાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણ પદ્ધતિથી વંચિત રહી જાય છે.

પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુળી તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી રજૂઆત કરી છે કે:

 ગઢાદ પ્રાથમિક શાળાને તાલુકા આયોજન અથવા ATVT (એટીવીટી) ની ગ્રાન્ટ માંથી ૩ (ત્રણ) સ્માર્ટ ટીવી ફાળવવામાં આવે. સ્માર્ટ ટીવી આવવાથી શિક્ષકોને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભણાવવામાં સરળતા રહેશે. ગ્રામીણ વિસ્તારના બાળકોને પણ શહેર જેવું ગુણવત્તાસભર ડિજિટલ શિક્ષણ પ્રાપ્ત થશે.

આ રજૂઆતને પગલે ગઢાદ ગામના વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. પૂર્વ ધારાસભ્યએ આશા વ્યક્ત કરી છે કે તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લઈ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવશે, જેથી આવનારા નવા શૈક્ષણિક સત્રથી બાળકો ડિજિટલ ક્રાંતિનો લાભ લઈ શકે.

0 Comments